વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 જૂનના રોજ ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’નો પ્રારંભ કરશે

SHARE THE NEWS

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો તેમના વતનમાં પરત આવ્યા છે. આ કારણે કોવિડ-19નો ચેપ વધુ ફેલાવાના પડકારની સાથે સાથે, વતન પરત આવેલા આવા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ કામદારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના તેમજ આજીવિકાના વિવિધ માધ્યમો ઉપલબ્ધ કરાવવાના પડકારો પણ ઉભા થયા છે. ભારત સરકારે વિવિધ ક્ષેત્રોને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. દેશમાં પછાત પ્રદેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન કરવાની સાથે સાથે મોટી સંખ્યામાં આવા લોકો માટે રોજગારીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં, અંદાજે 30 લાખ વિસ્થાપિત શ્રમિકો દેશના વિવિધ ભાગોમાંથી પરત આવ્યા છે. ઉત્તરપ્રદેશના 31જિલ્લામાં અંદાજે 25,000થી વધુ પરત આવેલા વિસ્થાપિત શ્રમિકો છે. આમાં પાંચ મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશ સરકારે ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને અનોખી “આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન” પહેલ તૈયાર કરી છે જે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યક્રમો જેવી જ છે. આ અભિયાનમાં લોકોને રોજગારી પૂરી પાડવી, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને રોજગારીની તકો પૂરી પાડવા માટે ઔદ્યોગિક સંગઠનો તેમજ અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરવી વગેરે પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 26 જૂન 2020ને શુક્રવારના રોજ સવારે 11 કલાક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. વધુમાં, ઉત્તરપ્રદેશના સંબંધિત મંત્રાલયોના મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ પ્રારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના છ જિલ્લાના ગામવાસીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાના ગામડાંઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સમયે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *